તમામ વિરોધ પછી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ભારત સરકારના સોશિયલ મીડિયાના અનેક નવી ગાઈડલાઈન માટે સંમત થઈ ગયુ છે. ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે ઇન્ફર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમિડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયાની આચારસંહિતા) નિયમો, 2021નું પાલન કર્યું છે અને 28 મેના રોજ તેણે ફરિયાદ અધિકારીની નિમણૂક પણ કરી છે, જોકે ટ્વિટરએ ફરિયાદ અધિકારીના નામની કોઈ માહિતી આપી નથી.
કોર્ટે કહ્યું કે, જો ડિજિટલ મીડિયાને લગતા નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી)ના નિયમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી તો ટ્વિટરે તેનું પાલન કરવું પડશે. આ ટિપ્પણીની સાથે જસ્ટિસ રેખા પલ્લીએ એડવોકેટ અમિત આચાર્યની અરજી પર કેન્દ્ર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને નોટિસ પાઠવી છે અને તેઓને પોતાનો પક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
અમિત આચાર્યએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ટ્વિટર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. બીજી તરફ, ટ્વિટરએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તે નિયમોનું પાલન કરે છે અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ દાવાને નકારી દીધો હતો. કોર્ટે કહ્યું, જો આ (નિયમો) પર પ્રતિબંધ નથી તો તેઓએ તેનું પાલન કરવું પડશે.
આચાર્યએ વકીલ આકાશ વાજપેયી અને મનીષ કુમાર દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે જ્યારે તેમણે કેટલાક ટ્વીટ્સ અંગે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે સરકારના નિયમનોનું કથિત રીતે પાલન કરવામાં આવતુ નથી.
અગાઉ વોટ્સએપ પણ નવી ગાઇડલાઈન લાગુ કરવા તૈયાર નહોતું પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે પણ નવી ગાઇડલાઇન લાગુ કરી છે અને ફરિયાદ અધિકારીની માહિતી સરકારને સુપરત કરી છે. વોટ્સએપ પહેલા ફેસબુક અને ગુગલે કહ્યું હતું કે નવી માર્ગદર્શિકા કોઈપણ વિરોધ વિના અમલમાં મૂકવામાં આવી છે.